Saturday, 25 April 2020

દમણ મ્યુનિસિપલ કાઉન્સીલ દ્વારા ઘર વેરામાં અસહ્ય વધારો (ભાગ 12)


દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઇ પટેલ અને યુથ એક્શન ફોર્સના શ્રી ઉમેશ પટેલે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારીને કરેલી રજુઆત છતાં વધેલા વેરાની બાબતમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કે નથી લોક ચર્ચા વિચારણા સુધી મોકૂફ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી.

નાની દમણમાં સીવેજ લાઈન નથી છતાં ગેરકાયદેસર સેનીટેશન વેરો લગાડવામાં આવ્યો છે. દમણની તમામ હોટેલોને સેનીટેશન વેરો લગાવવામાં આવ્યો છે, જે તદ્દન અયોગ્ય અને ગેરકાયદેસર છે.

બે વર્ષ પહેલા દમણની તમામ હોટેલો પાસે ફરજીયાતપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાડાવ્યા છે. એમની ગટરની લાઈન કાપી નાખવામાં આવી છે. હોટેલમાંથી કોઈપણ જાતનું પાણી બહાર કાઢી શકાતું નથી અને એને પાછું ઉપયોગમાં લેવાનું હોય છે, સૂકા અને ભીના કચરાનો નિકાલ એમને જાતે કરવાનો હોય છે, જે કાર્ય કરવા હોટેલોએ ખાનગી અજેન્સી રાખી છે જેનો ખર્ચો દર મહિને ચૂકવવો પડે છે, એટલેકે હોટેલોએ પોતાને ત્યાંથી નીકળતા કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા જાતે કરવાની હોય છે મ્યુનિસિપાલિટી એમાં કોઈ જવાબદારી લેતી નથી. દમણની હોટેલો 0% એફલ્યુન્ટ ડિસ્ચાર્જ કરે છે. હોટેલો પર સેનીટેશન વેરો લગાવવો એટલે દાન ઉપર દક્ષિણા આપવા બરાબર છે.

દમણ મ્યુનિસિપલ કાઉન્સિલે નગરસેવકો જોડે એવી કેવી સાંઠ ગાંઠ કરી છે કે આટલો ધરખમ વેરા વધારાનો કાર્યક્રમ 2018થી ચાલતો રહ્યો પણ નગરસેવકોએ નગરવાસીઓને કે રાજકીય પક્ષોને ગંધ સુધ્ધા આવવા દીધી નહિ? શું મ્યુનિસિપાલિટી નગરસેવકોને આજીવન પગાર પર રાખવાની છે કે જેથી કરીને નગરસેવકોની ચૂંટણી કરવાની જરૂર નથી પાડવાની? ઘણું વિચારવા છતાં નગરસેવકોની આવી લોક વિરોધી કાર્યપધ્ધતિનું કોઈ વ્યાજબી કારણ મળતું નથી. નગરસેવકો ભાજપના છે અને ભાજપે હજુ સુધી એક પણ વાક્ય આ બાબતે ઉચ્ચાર્યું નથી તો શું સમજવું કે ભાજપ પણ નગરસેવકોની લોક વિરોધી કાર્યપ્રણાલી સાથે સહમત છે અને દર વખતની જેમ આ વખતે પણ ભાજપ જરૂરતના સમયે લોકોને દગો આપશે?

No comments:

Post a Comment