Monday 17 January 2022

લોકોની માંગ પર દમણ અને દીવનું દાદરા અને નગર, હવેલી સાથે વિલીનીકરણ. ખરેખર?

નીચે દર્શાવવામાં આવેલ આરટીઆઈ અરજી દ્વારા માંગવામાં આવેલ અને આપવામાં આવેલી માહિતીનું તારણ:

(૧) વિલીનીકરણ માટે કોઈ તરફથી માંગણી કરવામાં આવી નથી.

(૨) બંને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી.

(૩) તો પછી સમાચારપત્રોમાં એવા ખબર આવ્યા હતા કે પ્રશાસન તરફથી કેન્દ્રીય સરકાર સામે વિલીનીકરણ માટે માંગણી કરવામાં આવી છે એ સમાચાર પ્રશાસન દ્વારા પ્રચાર માધ્યમોને આપવામાં આવેલી તે શું હતું? શું એ ખબર લોકોમાં ખોટી માહિતી ફેલાવવા માટે હતા?

(૪) કેબીનેટની બેઠકમાં દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ) બિલ, ૨૦૧૯ પસાર કરાવવા માટે ફક્ત એક કાગળ મોકલવામાં આવ્યો હતો. 

(૫) તો શું કેબીનેટમાં ચર્ચા-વિચારણા વગર ખરડો પસાર કરી દેવાયો હતો? ફક્ત એક કાગળ પર શું ચર્ચા કરી શકાય?

(૬) આપણા માનનીય સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સંસદ દ્વારા દેશને જણાવ્યું હતું કે  દમણ અને દિવના લોકોની ઈચ્છા છે કે દમણ-દીવ અને દાદરા-નગર, હવેલીને એક-બીજામાં ભેળવી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે.

(૭) જે માહિતી મેળવવામાં આવી છે એ પ્રમાણે તો માનનીય સાંસદ શ્રી લોકસભામાં હળાહળ જુઠ્ઠુ બોલ્યાં હતા. દમણ-દીવ કે દાદરા-નગર, હવેલીમાંથી કોઈએ વિલીનીકરણની માંગણી કરી જ નથી.

(૮) ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ વિલિનીકરણનો વિરોધ કરતી ચાર અરજીઓ આવેલી હતી.  

(૯) વિલીનીકરણનો વિરોધ કરતી ચાર અરજીઓ અને સમર્થનમાં એક પણ અરજી નથી છતાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે, લોકોના વિરોધ પછી પણ.

(૧૦) પ્રશાસને વિલીનીકરણ સમયે એવા દાવા કર્યા હતાં કે આનાથી સરકારનાં નાંણા બચશે. પણ સરકાર પાસે આ બાબતમાં દસ્તાવેજ પર નક્કર કશું જ નથી, ફક્ત કહી-સુણી વાતો જ છે.

૧૧) વિલીનીકરણ માટે કોઈ માંગણી નહીં હતી, સરકારનો ખર્ચો ઓછો થશે એ વાત મળેલી માહિતી પ્રમાણે ખોટી પુરવાર થઇ છે તો હવે મુદ્દાનો સવાલ એ છે કે બે ભિન્ન સંસ્કૃતિ અને કાયદાવાળા પ્રદેશોને એક કોના ઈશારે કરવામાં આવ્યા અને આ તૂત ચલાવવાવાળાને આનાથી શું ફાયદો થયો હોય શકે?

ગૃહ મંત્રાલયને આરટીઆઈ અરજી 
ગૃહ મંત્રાલય તરફથી મળેલ માહિતી 

 ગૃહ વિભાગ, દાનહ અને દમણ દીવ તરફથી મળેલ માહિતી 

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી સાથે વિલીનીકરણ કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ બનાવવાના સંબંધમાં નીચેની માહિતી/પ઼માણિત નકલ પ્રદાન કરો:

૧) કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તરફથી વિલીનીકરણની વિનંતી સાથેની પ્રાપ્ત  તમામ રજૂઆતો

૨) કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી તરફથી વિલીનીકરણની વિનંતી સાથેની પ્રાપ્ત  તમામ રજૂઆતો

૩) દમણ અને દીવના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

૪) દાદરા અને નગર, હવેલીના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

૫) કથિત વિલીનીકરણના વિરોધમાં પ્રાપ્ત થયેલ તમામ રજૂઆત (નોંધણીઓ સહિત)

૬) કેન્દ્રશાસિત પ્રદેશોના વિલીનીકરણની મંજૂરી માટે કેબિનેટ સચિવાલય દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (નોંધણીઓ સહિત)

૭) લાભો (ફાઈલમાં નોંધાયેલ) જે ઉપાર્જિત થઈ શકે છે, જો બંને કેન્દ્રશાસિત પ્રદેશોને વિલીન કરવામાં આવે તો

ગૃહ મંત્રાલય, ભારત સરકારે આપેલી માહિતી:

 "...કહેવા માટે કે મુદ્દા ક્રમાંક ૧, ૨, ૩, ૪ અને ૭ પર તમારા દ્વારા માંગવામાં આવેલ માહિતી કેન્દ્ર શાસિત પ્રશાસન દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવથી સંબંધિત છે તેથી તમારી RTI અરજી આ સાથે ટ્રાન્સફર કરવામાં આવી રહી છે..."

"...સંદર્ભ હેઠળ તમારી RTI અરજીના મુદ્દા ક્રમાંક ૫ અને ૬ પર તમારા દ્વારા માંગવામાં આવેલી માહિતી નીચે મુજબ છે..."

મુદ્દા ક્રમાંક ૫ - આ મંત્રાલયને મળેલી ચાર રજૂઆતોને અરજદારોની સૂચના હેઠળ ચકાસણી/જરૂરી પગલાં લેવા માટે આ મંત્રાલયના ૦૫.૦૮.૨૦૧૯ અને ૧૦.૦૨.૨૦૨૧ના પત્રો દ્વારા દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રશાસનને મોકલવામાં આવી છે.

મુદ્દા ક્રમાંક ૬ - આખી ફાઈલ કેબિનેટ સચિવાલયમાં મોકલવામાં આવી ન હતી.  'દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ) બિલ, ૨૦૧૯ પર કેબિનેટની મંજૂરી મેળવવા માટે માત્ર એક સંદેશાવ્યવહાર મોકલવામાં આવ્યો હતો.

ગૃહ વિભાગ, દાદરા અને નગર, હવેલી અને દમણ અને દીવ દ્વારા આપવામાં આવેલ માહિતી:

મુદ્દા ક્રમાંક ૧ - કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ તરફથી વિલીનીકરણની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતો

જવાબ - તમારી આરટીઆઈ અરજીમાં માંગવામાં આવેલી માહિતી આ ઓફિસમાં ઉપલબ્ધ નથી

મુદ્દા ક્રમાંક ૨ - કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર, હવેલી તરફથી વિલીનીકરણની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ તમામ રજૂઆતો

જવાબ - ઉપર મુજબ 

મુદ્દા ક્રમાંક ૩ - દમણ અને દીવના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

જવાબ - ઉપર મુજબ 

 મુદ્દા ક્રમાંક ૪ - દાદરા અને નગર, હવેલીના વહીવટીતંત્ર દ્વારા રજુ કરવામાં આવેલી સંપૂર્ણ ફાઇલ (ટીપ્પણી સહિત)

જવાબ - ઉપર મુજબ 

મુદ્દા ક્રમાંક ૭ - લાભો (ફાઈલમાં નોંધાયેલ) જે ઉપાર્જિત થઈ શકે છે, જો બંને કેન્દ્રશાસિત પ્રદેશોને વિલીન કરવામાં આવે તો

જવાબ - ઉપર મુજબ 

No comments:

Post a Comment