Tuesday 31 May 2022

દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા જમીન સંપાદન અને માહિતી ‌અધિકારના કાયદાની મજાક નથી થઇ રહી? કે પછી આ બધુ ભ્રષ્ટાચાર કરવા માટે સંતાડવામાં આવે છે?

જમીન સંપાદન વિશે માહિતી મેળવવા માટે માહિતી અધિકાર હેઠળની અરજી તા: ૦૯/૦૯/૨૦૨૦:

"એનહેચ-૮૪૮બી જંકશનથી તીન બત્તી, નાની દમણ સુધીના રોડને પહોળો કરવા માટે જમીન સંપાદન" નામના જમીન સંપાદનના સંદર્ભમાં નીચેની માહિતી પ્રદાન કરો, જેનો નંબર ૩/૮૩/LND-ACQ/૨૦૨૦-૨૧/૬૬૧૬ તારીખ ૧૩/૦૮/૨૦૨૦:

(૧) જમીન સંપાદનની દરખાસ્ત સાથે એનહેચ-૮૪૮બીની બનાવેલ સમગ્ર ફાઇલની પ્રમાણિત નકલ (નોંધો સહિત)

(૨) પંચાયતો અને મ્યુનિસિપાલિટી (નોંધ સહિત) સાથે પરામર્શ માટે તૈયાર કરેલી સમગ્ર ફાઇલની પ્રમાણિત નકલ જેમાં પંચાયતો અને નગરપાલિકાના જવાબો છે.

(૩) લેન્ડમાર્ક સાથે સ્થાન, સર્વે નંબર, પ્લોટની સીમાઓ, સૂચિત સંપાદન સીમાઓ વગેરે દર્શાવતા નકશા (ઓટોકેડ ફોર્મેટમાં સોફ્ટકોપી)

(૪) આ સંપાદન કર્યા પછી થનારા રસ્તાની પહોળાઈની વિગતો પ્રદાન કરો
 
૦૭/૧૦/૨૦૨૦ના રોજે કલેકટરના સુપ્રિટેન્ડન્ટે જવાબ આપતા લખ્યુ કે "તમને ચોક્કસ કંઈ મહિતી જોઈએ છે તે જણાવશો."

આવો જવાબ મળ્યો એટલે મારે ૧૯/૧૦/૨૦૨૦ના રોજ કલેકટરને પ્રથમ અપીલ કરવી પડી હતી કારણ કે આ ફક્ત એક બહાનું હતું માહિતી નહીં આપવા માટે, બાકી અરજીમાં સમજ નહીં પડે એવું કશું જ નથી અને આ વાતની માહિતી અધિકારીને છેક ૨૯માં દિવસે જ ખબર પડી. (૩૦ દિવસમાં માહિતી આપવાની હોય છે)

આ મામલે વારંવાર યાદ કરાવ્યા પછી ડેપ્યુટી કલેકટર ‌‌શ્રી અપૂર્વ શર્માએ ૦૩/૧૧/૨૦૨૧ના રોજ પ્રથમ અપીલ સાંભળી પણ એમની બદલી થઇ ત્યાં સુધી હૂકમ પસાર નહી કર્યો હતો.

શ્રી અપૂર્વ શર્માની બદલી પછી પણ વારંવાર યાદ અપાવતા બદલી થઇ આવેલા ડેપ્યુટી કલેકટર શ્રી મોહિત
 મિશ્રાએ ફરીથી પ્રથમ અપીલ સાંભળી અને એ વખતે માહિતી નહીં આપવા માટે પ્રથમ અપીલીય અધિકારી નવું તૂત લાવ્યા. અપીલીય અધિકારી તરીકે જે એમના કાર્યક્ષેત્રમાં નથી એવી વાત એમણે કરી.                  
જે સવાલ ઊભો કરવાનો અધિકાર ફક્ત  માહિતી અધિકારી પાસે જ છે તે સવાલ શ્રી મોહિત શર્માએ ઊભો કર્યો હતો.

અપીલીય અધિકારી શ્રી મોહિત શર્માએ સુનાવણી દરમ્યાન થર્ડ પાર્ટીનો પ્રશ્ન ઊભો કર્યો હતો અને માહિતી અધિકારી શ્રીને હૂકમ કર્યો હતો કે જેમની પણ જમીન સંપાદન થવાની છે એ દરેકને એક પત્ર લખો કે આવી માહિતી માંગવામાં આવી છે તમે માહિતી આપવા માંગો છો કે નહીં તે જણાવશો. આનો મારા દ્વારા વિરોધ કરવામાં આવવા છતાં  અપીલીય અધિકારી શ્રીએ તે માન્ય નહીં રાખી એક મહિના પછીની તારીખ આપી હતી.

એક મહિના પછી જ્યારે ફરી સુનાવણી થ‌ઈ ત્યારે માહિતી અધિકારી શ્રીએ જે ફાઈલ રજુ કરી તેમાં એક નોટ શીટ હતી જેમાં ફક્ત કેટલાં જણાએ માહિતી આપવા સામે વિરોધ કર્યો હતો એની જ નોંધ હતી. કેટલાં પત્રો મોકલવામાં આવ્યા હતા, કેટલાંએ હા પાડી, કેટલાંએ જવાબ નહીં આપ્યો હતો એની કોઈ માહિતી ન હતી. આ પ્રક્રિયાનો ફરી વિરોધ કરવામાં આવતા પાછી એક મહિના પછીની તારીખ આપવામાં આવી હતી.

એક મહિના પછી જ્યારે પાછા મળ્યા ત્યારે ફરી એક મહિના પછીની તારીખ આપવામાં આવી છે.

જે માહિતી માટે થર્ડ પાર્ટીનું બહાનું કાઢી સમય પસાર કરવામાં આવે છે તે માહિતી કાયદા પ્રમાણે થર્ડ પાર્ટીની માહિતીમાં આવતી જ નથી. જે માહિતી માંગી છે એ માહિતી કલેકટર કચેરીમાં જ બનાવવામાં આવી છે, કોઈ થર્ડ પાર્ટી તરફથી આપવામાં નથી આવી ખાસ કરીને જેમને પત્રો લખીને પૂછવામાં આવ્યું છે એમણાં દ્વારા તો નથી જ આપવામાં આવી.

વિધિની વક્રતા તો જુઓ. જેમનું જમીન સંપાદન બાબતમાં કોઈ સાંભળતું નથી, એવા જમીન માલિકોને પત્ર લખી પૂછવામાં આવી રહયુ છે કે આ માહિતી આપવી કે નહીં?

હવે મુદ્દાની વાત 

આ માહિતી જે જમીન સંપાદન વિશે હતી તેના વિશે કોઈ પણ માહિતી અસરકર્તાઓએ માંગણી કરવા છતાં જમીન સંપાદન કાયદાની વિરુદ્ધ જઈને પણ આપવામાં આવતી નથી.

માહિતી અધિકાર કાયદા હેઠળ પણ કાયદા વિરુધ્ધ અનેક વાંધા કાઢી માહિતી હજૂ સુધી આપવામાં આવી નથી.

મહત્વની વાત એ છે કે જો આ અરજીની માહિતી યોગ્ય સમયે મળતે તો લોકોને સમજ પડત કે આ યોજનાનો સાથ આપવો કે વિરોધ કરવો. માહિતીના અભાવે મોટા ભાગના લોકો વિરોધમાં છે અને જેમણે પોતાનો વિરોધ જાહેર નથી કર્યો તે બધા ડરેલા છે કે જો તેઓ વિરોધ કરશે તો...

પ્રશાસનમાં આ નવી પ્રણાલી ચાલુ થઈ છે, પ્રશાસનના કોઈ પણ કામકાજ માટે કોઈ પણ માહિતી જાહેર કરવામાં નથી ‌આવતી. પછી ભલે એ યોજના વિશેની માહિતી, માહિતી અધિકારના કાયદા હેઠળ કેમ નહીં માંગવામાં આવી હોય?

આવી પ્રણાલી શરૂ કરી શું પ્રશાસન જમીન સંપાદન અને માહિતી અધિકારના કાયદાની મજાક નથી ઉડાવતુ? કે પછી આ રીતે દરેક કાયદાની મજાક ઉડાવવમાં આવે છે? કે પછી આ ભ્રષ્ટાચાર સંતાડવા માટે છે?

No comments:

Post a Comment